Only Gujarat News

The Best News of Gujarat, India

કલોલમાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, મણિનગરના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની પ્રેરણાથી ગ્રીન પ્લેનેટ દ્વારા પ્રહલાદ નર્સરીનું લોકાર્પણ…

શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરના મહંત શ્રી, કલોલ નગરપાલિકા પ્રમુખ શ્રી લવ બારોટ, ગ્રીન પ્લેનેટના કાર્યકરો તથા પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત

સમગ્ર જીવસૃષ્ટિને ટકાવી રાખનાર જળ, જમીન અને જંગલ એ પ્રકૃતિનાં મૂળભૂત અંગો છે. ભયજનક પ્રદૂષણને નાથવાના આપણા દેશમાં અનેક ઉપાયો થઈ રહ્યા છે. જેમાંથી એક મહત્વનો ઉપાય છે વૃક્ષારોપણ.

વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે. વૃક્ષોનાં પર્ણો પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા હવાને શુદ્ધ કરે છે.

વૃક્ષો જાતજાતનાં ફળો આપે છે. વૃક્ષોનાં મૂળિયાં જમીનનું ધોવાણ અટકાવે છે. વૃક્ષો રણને આગળ વધતું અટકાવે છે. કેટલાંક વૃક્ષોના મૂળિયાં અને પર્ણો ઔષધિ તરીકે વપરાય છે.

કેટલાંક વૃક્ષોનાં પાન પડિયા-પતરાળાં બનાવવાના કામમાં આવે છે. વૃક્ષો વાદળાંને ઠંડા પાડીને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. વૃક્ષોની શીતળ છાયામાં પશુઓ, ખેડૂતો અને વટેમાર્ગુઓ વિશ્રામ કરે છે. વળી વૃક્ષો ધરતીની શોભા છે. વૃક્ષો વિનાની ધરતી કેશ વિહોણા શીશ જેવી ઉજ્જડ લાગે છે.


કુદરતે એ આપણને વિનામૂલ્યે અને વિના મહેનતે આપ્યા હોવાથી આપણે એનું મૂલ્ય સમજી શકયા નથી. જ્યાં સુધી ગ્લોબલ વોર્મિંગને કારણે વિશ્વમાં સમસ્યાઓ ઉભી થઈ ન હતી, ત્યાં સુધી આ પ્રશ્ન તરફ આપણે કયારે પણ ધ્યાન દોરેલ નહિં. જળ, જમીન અને જંગલનાં પર્યાવરણનું સંતુલન જળવાઈ રહ્યું હતું પણ હવે ભૌતિકવાદના અતિરેકને કારણે ગ્લોબલ વોર્મિંગની ગંભીર સમસ્યાઓ ઉભી થવા લાગી છે. આગામી દિવસોમાં આપણી ભાવી પેઢીને શ્વાસ લેવા (પ્રાણવાયુ) અને પીવા માટે શુધ્ધ પાણી મળવું મુશ્કેલ થઈ પડશે. બધી જ જગ્યાએ વૃક્ષારોપણ જેવી પ્રવૃતિ ચાલે છે. જેને હજી વધુ પ્રભાવિત બનાવવી પડશે. વૃક્ષો હશે તો જ વરસાદ આવશે.
ઉત્તર ગુજરાતના પ્રવેશદ્વાર ગણાતા કલોલ તાલુકામાં કરુણા “અભિયાન – 2020 અને પ્રહલાદ નર્સરીનું લોકાર્પણ”
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, મણિનગરના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની પ્રેરણાથી ગ્રીન પ્લેનેટ દ્વારા મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરના મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી, શ્રી શાંતિપ્રિયદાસજી સ્વામી, શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી, કલોલ નગરપાલિકાના ઉત્સાહી યુવા પ્રમુખ શ્રી લવ બારોટ, ગ્રીન પ્લેનેટના શ્રી અહેમદ પઠાણ વગેરે મહાનુભાવો, પ્રહલાદ નર્સરીના માલિક શ્રી પ્રહલાદભાઈ ઠાકોર, કાર્યકરો તથા કલોલ તાલુકાની ૨૦૦ કરતાં વધારે શાળાઓના શિક્ષકો – પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહંત સ્વામી તથા કલોલ નગરપાલિકાના યુવા પ્રમુખશ્રી, અહેમદ પઠાણ વગેરેએ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું.
આ અવસરે પ્રહલાદભાઈનું મહંત સ્વામી તથા યુવા પ્રમુખશ્રીએ પાઘ અને શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું. ત્યારબાદ પ્રહલાદ નર્સરીનું લોકાર્પણ અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.