Only Gujarat News

The Best News of Gujarat, India

શ્રી મુક્તજીવન સ્વામીબાપા પ્રાગટ્ય ધામ – શ્રી સ્વામિનારાયણ મંદિર, ખેડાનો ૩૦ મો પ્રતિષ્ઠોત્સવ ભક્તિસભર ઊજવાયો…

ગરવી ગુજરાતમાં પુણ્ય સલિલા વાત્રક અને શેઢી નદીના સંગમ પર વસેલું પ્રાચીન નગર એટલે કે ખેડા. આ નગરે ભારત વર્ષના ઈતિહાસમાં ગૌરવપૂર્ણ ભાગ ભજવ્યો છે.

મહાભારતમાં પણ એક સમૃદ્ધ નગર તરીકે આ નગરનો ઉલ્લેખ થયેલો છે. મહારાજા મયૂરધ્વજ અહીં જ રહેતા. મહારાજા શિલાદિત્યનો જન્મ પણ આ જ ગામમાં થયેલો એવું કહેવાય છે. આ ઉપરથી કહી શકાય કે આ ઘણું જ પુરાણું શહેર છે. પહેલા આ નગરનું નામ ચક્રવર્તી ત્યારબાદ ખેટકપુર, રાષ્ટ્રકૂટ નગર અને છેલ્લે ખેડા નામ પડ્યું. ખેડા નગરી સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રીજી સ્વયં મૂર્તિ જીવનપ્રાણ અબજીબાપાશ્રી તથા સાર્વભૌમ નાદવંશીય ગુરુ પરંપરાના પાદારવિંદથી પાવન બનેલી છે. આ ભૂમિમાં સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનની નાદવંશીય ગુરુ પરંપરાના ચતુર્થ વારસદાર શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપા પ્રગટ થયા. એજ પ્રાગટ્ય સ્થાને તેઓશ્રીના ઉત્તરાધિકારી શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે દિવ્ય અને ભવ્ય સંગેમરમરનું ગગનચુંબી શ્રી સ્વામિનારાયણ મંદિર બનાવ્યું છે.
સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ અબજીબાપાશ્રી, શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપા અભયદાન અર્પતા દર્શન દાન આપી રહ્યા છે. પરમ પૂજ્ય આચાર્યશ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પાટોત્સવ વિધિ સદ્ગુરુ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીએ કંકુ,અક્ષત અને પુષ્પો વડે ષોડશોપચાર વિધિથી પૂજન અર્ચન કરીને આરતી ઉતારી હતી. વિવિધ પ્રકારના પકવાન તથા ફરસાણ યુક્ત વિશાળ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ સભા સ્થાને આ પાવન અવસરે સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી
,સદ્ગુરુ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીએ કથામૃતનું પાન કરાવ્યું હતું. આ અવસરનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.