Only Gujarat News

The Best News of Gujarat, India

વિશ્ચના સૌથી ઉંચા મા ઉમિયાના મંદિરનો શિલાન્યાસ

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા સામાજિક એમ્પાવર્મેન્ટ હબ અને જગતજનની મા ઉમિયાના ૪૩૧ ફૂટ ઊંચા વિશ્વકક્ષાના ભવ્ય મંદિર એવા વિશ્વ ઉમિયાધામનો શિલાન્યાસ સમારોહ તા.૨૮, ૨૯ ફેબ્રુઆરીના રોજ યોજાશે. જેનાં એક દિવસ પૂર્વે અમદાવાદમાં ભવ્ય ‘ઉમિયા યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં પાટીદારો જોડાયા હતા. શિલાન્યાસ સમારોહનો મુખ્ય કાર્યક્રમ શનિવારે સાંજે ૪ વાગ્યાથી મંદિર નિર્માણ સ્થળે યોજાશે. જેમાં દેશભરમાંથી સંતો-મહંતો, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ઉપસ્થિત રહેશે.

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા શહેરનાં વૈષ્ણોદેવી સર્કલ નજીક જાસપુર ખાતે ૧૦૦ વીઘા જમીનમાં ૧૦૦૦ કરોડ રૂપિયાનાં ખર્ચે ‘વિશ્વ ઉમિયાધામ’ નિર્માણ પામશે. જે વૈશ્વિક કક્ષાનું મા ઉમિયાનું મંદિર અનોખું ‘ટૂરિઝમ ટેમ્પલ’ બની રહેશે. ‘વિશ્વ ઉમિયાધામ’ સર્વ સમાજને સાથે રાખીને આ ભવ્ય મંદિર આકાર પામવા જઈ રહ્યું છે.

૩૭ કિ.મી. લાંબી ‘ઉમિયા યાત્રા’નો પ્રારંભ ઘાટલોડિયા પાટીદાર ચોકથી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનાં પ્રમુખ આર.પી.પટેલ અને ઉપપ્રમુખ ડી.એન.ગોલે કરાવ્યો હતો. આ ‘ઉમિયા યાત્રા’માં હજારોની સંખ્યામાં પાટીદારો જોડાયા હતા. અંદાજિત ૧૫૦૦થી વધુ બાઈક, ૩૦૦થી વધુ કાર, ૧૫ ટ્રેક્ટર, ૧૬ આઈશર પણ હતી. જ્યારે બાવન ગજની ધજા સાથે માઈભક્તો પગપાળા જોડાયા હતા, એમ કહી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનાં ઉપપ્રમુખ ડી.એન.ગોલે જણાવ્યું કે શિલાન્યાસ સમારોહનાં દિવસે મા ઉમિયાના મંદિરમાં આ ધજા અર્પણ થશે. આ યાત્રામાં ઘાટલોડિયાનાં એક પાટીદારે પોતાની કાર ઉપર જ્વારા રાખીને પર્યાવરણ જાળવણીનો અનોખો સંદેશો આપ્યો હતો. ૧૦૦૦થી વધુ ફુગ્ગા પણ આકાશમાં તરતા મૂકાયા હતા. ડી.જે.ના તાલે સૌ ઝૂમી ઊઠ્યા હતા. આ ‘ઉમિયા યાત્રા’ ઘાટલોડિયા થઈ ચાંદલોડિયા બ્રિજથી વંદેમાતરમ્ રોડ તરફ, બલોલનગર, રાણીપ ગામથી નિર્ણયનગર, પ્રભાત ચોક, ઘાટલોડિયા, સી.પી.નગરથી સતાધાર, સુભાષ ચોક, ગુલાબ ટાવરથી સાયન્સ સિટી, ભાડજ સર્કલથી ઓગણજ સર્કલ થઈ વિશ્વ ઉમિયાધામ, જાસપુર ખાતે પૂર્ણ થઈ હતી.

આજે 11,111 બહેનોની જવારા સાથે શોભાયાત્રા
વિશ્વ ઉમિયાધામ ખાતે તા.૨૮મી ફેબ્રુઆરીએ બપોરે ૨ વાગ્યે ૧૦૮ નિધિ કળશ તથા જવારા સાથેની ૧૧,૧૧૧ બહેનોની ભવ્ય શોભાયાત્રા નીકળશે. ત્યારબાદ મા ગંગાનાં જળ ભરેલા ૧૦૮ નિધિ કળશનું પૂજન થશે. આ દિવસે મંદિર પરિસરમાં ભક્તો દર્શન કરી શકે તે માટે જગત જનની મા ઉમિયાની ચલ પ્રતિષ્ઠા અને ગણેશજી અને બટુક ભૈરવની ચલ પ્રતિષ્ઠા થશે. જ્યારે સાંજે ૪ વાગ્યે દાતાઓનો અભિવાદન સમારોહ યોજાશે.

વિશ્વ ઉમિયાધામ પરિસરની વિશેષતાઓ

  • ૧૦૦ વીઘા જમીન-૧૦૦૦ કરોડના પ્રોજેક્ટમાં વિશ્વ કક્ષાના મંદિરની સાથોસાથ યુવાવર્ગ માટે સ્કિલ યુનિવર્સિટી અને કેરિયર ડેવલપમેન્ટ સેન્ટર.
  • હેલ્થ, સ્પોર્ટ્સ અને કલ્ચરલ ભવન, આરોગ્ય માટે પ્રિ-પોસ્ટ મેડિકલ કેર યુનિટ, સુવિધાસજ્જ NRI ભવન વિશ્વ ઉમિયાધામ પરિસરમાં નિર્માણ પામશે.
  • સામાજિક સંગઠન ભવન, રોજગાર ભવન પણ હશે.
  • સામાજિક સશક્તિકરણના ભાગરૂપે સમાધાન પંચ, ઇમિગ્રેશન સલાહ કેન્દ્ર, વિધવા-ત્યક્તા બહેનો માટે રોજગાર કેન્દ્ર.