Only Gujarat News

The Best News of Gujarat, India

શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજનો ૭૬મો પાટોત્સવ ઉમંગોલ્લાસભેર ઉજવાયો…

સંવત ૨૦૦૦ ફાગણ સુદ – ૩, તારીખ ૨૬-૨-૧૯૪૪ મૂર્તિ પ્રતિષ્ઠા દિન… યોગાનુયોગ આજે પણ સંવત ૨૦૭૬ ફાગણ સુદ – ૩, તારીખ ૨૬-૨-૨૦૨૦
તિથિ, તારીખ અને મહિનાનો સુયોગ સુમેળ

ભૂમંડળ સ્થિત તીર્થોત્તમ ધામ શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં બિરાજમાન ઉપાસ્ય ઇષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન – શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી સહજાનંદ સ્વામી મહારાજ, પ્રાત: સ્મરણીય જીવનપ્રાણ અબજીબાપાશ્રી, સાર્વભૌમ નાદવંશ ગુરુ પરંપરા અને શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપા આદિ સર્વોપરી મૂર્તિઓનો ષોડશોપચાર તથા રાજોપચારથી પાટોત્સવ વિધિ શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે કર્યો હતો. શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરિકૃષ્ણ મહારાજ તથા નાના હરિકૃષ્ણ મહારાજનો શુદ્ધોદક, કેસર જળ, દૂધ, શર્કરા, મધ, ઘૃત, અત્તર આદિથી પંચામૃત અભિષેક કરવામાં આવ્યો હતો. સમગ્ર વર્ષ દરમ્યાન એક જ વાર થતાં દિવ્ય દર્શન માટે દેશ વિદેશના હજ્જારો સંતો – હરિભક્તોએ અપલક નયને દર્શનનું પીયૂષપાન કર્યું હતું. સંતો- હરિભક્તો પંચામૃતની દુર્લભ પ્રસાદી પામીને બડભાગી બન્યા હતા. વળી,

સ્વામિનારાયણબાપા સ્વામીબાપા સન્મુખ ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય અને ચોસ્ય આ ચારે પ્રકારની અનેકવિધ વાનગીઓ – પકવાન, ફરસાણ વગેરેનો વિશાળ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. સંવત ૨૦૦૦ ફાગણ સુદ – ૩, તારીખ ૨૬-૨-૧૯૪૪ ને શનિવારના ધન્યતમ પાવનકારી દિને શ્રી સ્વામિનારાયણ ભગવાન – શ્રી ઘનશ્યામ મહારાજ આદિ સર્વોપરી મૂર્તિઓની પ્રતિષ્ઠા થઇ હતી. તેને આ વર્ષે ૭૬ વર્ષ પૂર્ણ થતાં હજ્જારો સંતો – ભક્તો ઉલ્લાસભેર દર્શનાર્થે ઉમટ્યા હતા અને અણમોલો – અવિસ્મરણીય લ્હાવો માણ્યો હતો. આ પાવનકારી અવસરે અધિક જીલ્લા કલેક્ટર શ્રી હર્ષદભાઈ વોરા પધાર્યા હતા.
વિશ્વનું એક ને માત્ર એક જ શ્રી સ્વામિનારાયણ ભગવાન અને અબજીબાપાશ્રીના સર્વોપરી સિદ્ધાંતોને સમજાવતું તેમજ આત્યંતિક કલ્યાણ પમાડનારું ભૂમંડળ સ્થિત તીર્થોત્તમ શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરના દર્શનાર્થે અનેક મોક્ષાભિલાષી મુમુક્ષુઓ આવે છે અને મોક્ષ વાંછિત ફળને પામે છે.